મહાશિવરાત્રિ પર્વની ઉજવણી દરમિયાન શિવભક્તો સહિત સૌ કોઈ ભોળાનાથ મહાદેવની ભક્તિ આરાધનામાં લીન રહેતા હોય છે. ત્યારે બોરસદના નાનકડા ભાદરણીયા ગામના નાગરિકો પણ ૨૨ વર્ષ અગાઉ તળાવ મધ્યેથી ખોદકામ દરમિયાન પ્રગટ થયેલ મહાદેવ ભગવાનની મૂર્તિ સહિત ચાર મૂર્તિઓનું સ્થાપન કરી વિશાળ મંદિરમાં દરરોજ ભગવાન મહાદેવની આરાધનામાં ભક્તિમય બન્યા છે.
ભાદરણીયાના શિવભક્ત દ્વારા જણાવ્યા મુજબ ભાદરણીયા ગામના પાણી વિહોણા સૂકા તળાવમાં ખોદકામ શરૂ કરાયું હતું. જોગાનુજોગ ગામલોકોએ જરૂરિયાત હેતુ શરૂ કરેલ ખોદકામ દરમિયાન શ્રાવણ સુદની બારસ તિથિને સોમવારના રોજ અંદાજિત ૪૦ ફૂટની ઉંડાઈ પર મૂર્તિઓ કે પૌરાણિક પથ્થર હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કાળજીપૂર્વક ખોદકામ કરવામાં આવ્યું હતું. તળાવ મધ્યે મૂર્તિઓ હોવાની માહિતી પ્રસરી જતાં ભાદરણીયા પંથકના અનેક ગામોના લોકો કુતૂહલ સાથે ઉમટી પડ્યા હતા.
આખરે કાળજીપૂર્વક ખોદકામ કરી પાંચ મૂર્તિઓ સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. જેથી શ્રદ્ધાળુઓ દ્વારા મૂર્તિઓની જાળવણી કરી ખૂબ શ્રદ્ધા સાથે દાતાઓના સહયોગથી શિવમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નવનિર્મિત મંદિરમાં તળાવ મધ્યેથી સ્વયંભૂ પ્રગટ થયેલ મૂર્તિઓને શાસ્ત્રોક્ત પૂજાવિધિ સાથે સ્થાપિત કરવામાં આવી હતી. ભાદરણીયાના ગ્રામજનો દ્વારા છેલ્લાં ૨૨ વર્ષથી મહાશિવરાત્રિ, પવિત્ર શ્રાવણ માસના તમામ દિવસો સહિત દરરોજ મહાદેવની ભક્તિભાવપૂર્વક ખૂબ શ્રદ્ધા સાથે આરાધના કરવામાં આવી રહેલ છે.