અમદાવાદમાં બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો હતો. આ ગંભીર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં.
અકસ્માતના દિવસે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં ગયાં હતાં. જ્યાંથી પરત ફરતાં આ અકસ્માત સર્જાયો હતો. તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી. બાકીના બધા મિત્રો પાછળ બેઠા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા.
યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળ્યા ત્યારે તથ્યએ પૂરઝડપે કાર ચલાવી હતી. તથ્યને કાર ધીમે ચલાવવા કહ્યું પરંતુ તે માન્યો નહી! પોલીસના જણાવ્યા અનુસાર તથ્ય પોલીસ તપાસમાં સહયોગ નથી આપી રહ્યો.
પોલીસે અને FSLની ટીમે મળીને રીકંસ્ટ્રક્શન કર્યું હતું, જેમા કારની સ્પીડ અને વિઝીબ્લીટીને માપવામાં આવી હતી. આ સિવાય ઘટના સમયે ભોગ બનનારને સાથે રાખી રીકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માત કરનાર જેગુઆર ગાડીનો બ્રેક FSL, RTOએ ટેસ્ટ કર્યો હતો. જેગુઆર કંપનીના ટેક્નિકલ ટીમ દ્વારા અકસ્માત કરનાર ગાડીને ચેક કરવામાં આવી હતી. અકસ્માત સમયે ગાડીની સ્પીડ, યાંત્રિક સ્થિતિ અને ગાડીની બ્રેક મારી હતી કે નહીં જેને લઈ રિપોર્ટ આપશે.