બોલિવૂડમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના ફેમસ આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઇ આપણી વચ્ચે રહ્યા નથી. નિતિને બુધવારના રોજ સવારમાં આત્મહત્યા કરી છે. નિતિનના મોતના સમાચારથી બોલિવૂડ જગતથી લઇને અનેક લોકોને આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો. સિનેમા જગતમાં સન્નાટો છવાઇ ગયો છે. આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઇનો મૃતદેહ ખાલાપુર રાયગઢીના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. જો કે આ અંગે પોલીસને જાણ થતા હાલમાં ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર નિતિન દેસાઇએ એનડી સ્ટુડિયોમાં આપઘાત કર્યો છે. જો કે આ મામલે પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.
નિતિન દેસાઇ આ દુખદ પગલુ ભરતા અનેક લોકો દુખી થઇ ગયા છે. 9 ઓગસ્ટના રોજ આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઇનો જન્મદિવસ હતો. નિતિન દેસાઇ એમનો 58મો જન્મ દિવસ મનાવવા હતા, પરંતુ એ પહેલાં જ એમને દર્દનાક પગલું ભર્યુ અને લોકોને ચોંકાવી દીધા. કયા કારણોસર આપઘાત કર્યો એ વિશે હાલમાં કોઇ વાતની જાણ થઇ શકી નથી.
અહેવાલ મુજબ નિતિને જે સ્ટુડિયોમાં આત્મહત્યા કરી છે એ 52 એકરમાં ફેલાયેલો છે. આ સ્ટુડિયોમાં અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યુ છે. એનડી સ્ટુડિયોમાં મંગલ પાંડે-ધ રાઇઝિંગનું સૌથી પહેલાં શૂટિંગ થયુ હતુ. ત્યારબાદ મધુર ભંડારકરની ટ્રાફિક સિગ્નલ અને આશુતોષ ગોવારીકરની જોધા અકબરનું શૂટિંગ થયુ હતુ. એક વારમાં આ સ્ટુડિયોમાં અનેક ફિલ્મો શૂટ થઇ શકે છે. આ સ્ટૂડિયો નિતિને વર્ષ 2005માં ખોલ્યો હતો.
નિતિને અનેક ફિલ્મોના સેટ બનાવ્યા છે
આર્ટ ડાયરેક્ટર નિતિન દેસાઇએ અનેક ફિલ્મોના સેટ બનાવ્યા છે. સારા કામ માટે નિતિનને એવોર્ડ પણ મળ્યા છે. નિતિનને ચાર વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નિતિન દેસાઇએ દેવદાસ, લગાન, બાજીરાવ મસ્તાની, હમ દિલ દે ચુકે સનમ, જોધા અકબર જેવી અનેક ફિલ્મો માટે રોયલ સેટ ડિઝાઇન કર્યા હતા. આ સાથે નિતિને મોટા માથાના ડાયરેક્ટર સાથે કામ કર્યુ છે જેમાં..આશુતોષ ગોવારિકર, રાજકુમાર હિરાની, વિધુ વિનોદ ચોપડાનું નામ શામેલ છે.