ગણેશોત્સવને પૂર્ણ થયે હજી માંડ 24 કલાક પણ વિત્યા નથી ત્યાં ગણેશજીની મૂર્તિ રઝળતી જોવા મળી છે. નડિયાદમાં કેનાલમાં ગતરોજ વિસર્જીત કરવામાં આવેલી મૂર્તિઓ આજે રઝળતી જોવા મળી છે. જેના કારણે કેટલાક જાગૃત ગણેશ ભક્તોમાં નારાજગી વ્યાપી છે.
પાણીનો પ્રવાહ ઓછો હોવાથી ગણેશજીની મૂર્તિઓ ક્યાંક લીલમાં તો ક્યાંક ખંડીત થયેલી હાલતમાં જોવા મળી
ખેડા જિલ્લામાં ગતરોજ વાજતેગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 દિવસથી પૂજન અર્ચન કરીને ગતરોજ દૂંદાળા દેવને આસ્થા પૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ પૂર્વે ભવ્ય આતશબાજી અને ઠાઠ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ તમામ બાબતો વચ્ચે આજે જુદુ જ દ્રશ્ય જોવા મળ્યું છે. નહેરના પાણીમાં જ્યાં મૂર્તિ વિસર્જન કરાઈ હતી ત્યાં આ મૂર્તિઓ રઝળતી જોવા મળી છે. પાણીનો પ્રવાહ ઓછો હોવાથી આ ગણેશની મૂર્તિઓ ક્યાંક લીલમાં તો ક્યાંક ખંડીત થયેલી હાલતમાં નહેરના પાણીમાં જોવા મળી છે. જેના કારણે જાગૃત ગણેશ ભક્તોમાં નારાજગી વ્યાપી છે.
વિસર્જન બાદ આવી મૂર્તિઓ પાણીમાં ન ઓગળતા જીવ સૃષ્ટિને નૂકશાન
નડિયાદમાં પીજ રોડ પર ગાર્ડન પાસેની કેનાલ પરના આ દ્રશ્યો સૌ કોઈની આસ્થાને ઠેસ પહોંચાડે તેવા છે. જે દેવનુ 10-10 દિવસ સુધી પૂજન,અર્ચન કર્યા બાદ જેટલા ઉત્સાહથી લાવેલ મૂર્તિ અને એટલા જ ઉત્સાહથી વિદાય પણ આપી હતી. પરંતુ વિદાય બાદ આ મૂર્તિઓ રજળતી જોવા મળી રહી છે.
માટીની મૂર્તિ ઊંચી કિંમતે મળતી હોવાથી લોકો POPની મૂર્તિ લાવે છે
સરકાર દ્વારા POPની મૂર્તિ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ભક્તો લાવતા હોય છે. ઓછા ભાવ હોવાથી આ મૂર્તિઓ લાવતા હોય છે. જ્યારે માટીની મૂર્તિના 5-6 હજારથી શરૂ થાય છે. ત્યારે આ ફેક્ટરના કારણે પણ લોકો પીઓપીની મૂર્તિ ન છૂટકે લાવે છે.
જ્યારે આવી મૂર્તિને જળમાં પધરાવ્યા બાદ પણ ઓગળતી નથી અને તેના હાનીકારક તત્વો નદી, કેનાલ, તળાવમાં રહેતા જળચર જીવોને નુકશાન કરે છે. આ ઉપરાંત હાનિકારક કલર પણ જળચર જીવોને મોતનું કારણ બને છે.