ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુઓને ભરીને ચાર દિવસ પહેલા કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નિકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતા 12 લોકોના મોત થયા છે. જેમાં 10 મૃતકો તો એક જ ગામના છે. ત્યારે આજે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને વતનમાં લાવવામાં આવશે. જ્યાં તમામની અંતિમક્રિયા કરાશે. દિહોર ગામના 10 લોકોના મોત થતા હાલ ગામમાં શોક છવાયો છે. ગામ સજ્જડ બંધ જોવા મળ્યું છે. બજારો સુમસામ જોવા મળી હતી.
તમામ મૃતકોની આજે અંતિમવીધી કરાશે
અકસ્માતમાં અવસાન પામેલા યાત્રીઓના મૃતદેહને આજે વતનમાં લાવવામાં આવશે. હાલ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને વતનમાં લાવવવામાં આવી રહ્યા છે. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોના મોત થયા છે. ભાવનગર શહેરની એક મહિલા અને દિહોરના અન્ય મૃતક યાત્રીઓની આજે વતનમાં અંતિમવીધી કરાશે. તમામ શબવાહીની થોડીવારમાં દિહોર ખાતે પહોંચશે. હાલ તો સમગ્ર દિહોર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

દિહોર ગામેથી મથુરા સુધી 12 દિવસની યાત્રાએ ગયા હતા
આ દુઃખદ ઘટના અંગે હકીકત એવા પ્રકારે છે કે તળાજા તાલુકાના દિહોરગામે રહેતા અને ખેતી તથા મજૂરીકામ સાથે સંકળાયેલા શ્રદ્ધાળુઓ ગામમાં આવેલા બજરંગદાસબાપાની મઢુલી-આશ્રમમાં મંડળ ચલાવે છે, આ મંડળના સભ્યોએ દિહોરગામેથી જ મથુરા સુધી 12 દિવસ યાત્રાનું આયોજન કર્યું હતું અને ગત તા.9 સપ્ટેમ્બરે રાત્રે ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની બસ ભાડે કરી નીકળ્યા હતા, જેમાં ગુજરાત બોર્ડર પાર કરી રાજસ્થાનમાં નાથદ્વારા સહિત પુષ્કર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી ગત મોડી રાત્રે રાજસ્થાનથી આગળની યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું.

કેવી રીતે સર્જાયો અકસ્માત.
રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર ગઈકાલે સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. જેથી ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારીને નજીકમાં ઊભેલા લોકોને કચડ્યા હતા. જે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. જેમાં 10 મૃતકો દિહોર ગામના છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બસની પાછળની સાઈડનો ભાગ ટોટલ લોસ થઈ ગયો હતો.
હાઈ-વે યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો
આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે ગઈકાલે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો હતાં. અકસ્માત બાદ મૃતદેહો હાઈ-વે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પણ જામ થઈ ગયો હતો. અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત લોકોને પડેલા જોતાં પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ અકસ્માતમાં 12 વ્યક્તિઓના મોત થયા હતા, અકસ્માતને પગલે સુમસામ હાઈ-વે યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 11થી વધુ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિહોર ગામથી બસ યાત્રાએ જવા રવાના થઈ હતી
દિહોર ગામના બારૈયા ભદ્રેશભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, 12 દિવસની યાત્રાનું આયોજન કર્યું હતું. 9 સપ્ટેમ્બરે બસ અહિંથી પ્રસ્થાન પામી હતી. ત્યારે ગઈકાલે સવારે અમને જાણ થઈ કે આ બસનો અકસ્માત થયો છે. જેમાં અમને માહિતી મળી છે 12ના મોત થયા છે.










